આણંદ:  આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  ઉમરેઠ તાલુકામાં આકાશમાંથી બરબાદીનો વરસાદ વરસ્યો છે. સુરેલી, સુંદરપુરા, લીંગડા, થામણા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. એકાએક માવઠું થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 


ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. કપડવંજ અને આસપાસના ગામડાઓમાં  કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે  વરસાદ વરસ્યો છે. ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો છવાયા છે.  


ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી.  આગાહી મુજબ, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે. રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું છે. આણંદ અને ખેડામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. 


બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી


કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી હતી. જિલ્લામાં મોડી રાતથી જ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ડીસા, દાંતીવાડા, દાંતા, અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં માવઠું પડ્યુ હતું. જિલ્લામાં સતત પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરિયાળી, એરંડા, રાયડા, બટાકા, ઘઉં, જીરું અને ઈસબગુલના પાકમાં વરસાદથી નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે.


દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નવસારીના વાંસદા અને આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વાંસદાના ઉપસડ અને આસપાસના ગામડાઓમાં માવઠું પડ્યુ હતું. જેને લઈ નાગલી સહિત શાકભાજીના પાકમાં નુકસાન થઈ શકે છે.  રાજ્યના 21 જિલ્લા પર આજે માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ છે.


આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી


હવામાન વિભાગની  આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે.  પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આજે વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા,  સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.  


Gujarat Rain: આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ