Gujarat Weather: ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટા છવાયા હળવા વરસાદને કારણે માવઠાની પણ સંભાવના છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેશે.

ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને અમદાવાદમાં પણ વાદળો છવાઈ શકે છે. જોકે, વરસાદની શક્યતા હાલમાં નહિવત્ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમી તથા માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધશે. તે સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી પણ ઓછું રહેવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું રહેશે, સાથે મધ્ય ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન 13-15 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું રહેવાની શક્યતાઓ છે.

19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ દરમિયાન રોગનું પ્રમાણ વધશે. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 11 અને 12 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે જેને કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો આવી શકે છે. ત્યાર બાદ 19 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. 23 ફેબ્રુઆરીથી માસના અંત સુધીમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પણ વરસી શકે છે.

એકંદરે, ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં મિશ્ર હવામાનનો અનુભવ થશે. ગરમીનું પ્રમાણ વધશે, સાથે ઠંડી અને વરસાદની પણ શક્યતા છે.

દિલ્હીમાં પણ વરાસદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીએ પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. 8 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસ રહેશે.

રવિવારે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. રાજધાનીમાં સવારે 8:30 કલાકે ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું.