કચ્છ:  આજે સતત બીજા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) તૂટી પડ્યો હતો. કચ્છના અંજારના ખેડોઈ ગામ ધોધમાર વરસાદ પડ્યો હતો. અહીં  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે થોડા સમય માટે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. જો કે વરસાદી વાતાવરણથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.



કચ્છ  (Kutch)ના ભુજ તાલુકાના ચંદુડી વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. નખત્રાણા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે પાવરપટ્ટી વિસ્તારોના નાની અરલ, દેવીસર પંથકમાં ખાબકેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. 



કમોસમી વરસાદ ખેતી પાક ઉપરાંત કેરીના પાક માટે કહેર સાબિત થયો છે. ગીર સોમનાથ (Gir Somnath)ના ગીર ગઢડા અને સાસણગીરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ  કરા સાથે વરસાદ વરસ્યો હતો. ઉનાળાના આકરા તાપ વચ્ચે આકાશી આફત વરસતાં રસ્તા પર પાણી ફરી વળ્યા. બીજી તરફ આ વરસાદ કેસર કેરી માટે વિલન સાબિત થતાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. 


અમરેલી (Amreli)ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યાં ખાંભા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.