કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, '3 થી 7 મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડશે.
આવતીકાલથી 7 મે દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે, રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતુ. રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી
દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં તો કરા સાથે ધોધમાર વરાસદ ખાબકવાની આગાહી છે.
દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ
કાળઝાળ ગરમી વચ્ચે દેશની રાજધાનીમાં મોડી રાતથી જ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. મિન્ટો બ્રિજ, ડીએનડી, મોતીબાગ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. હવામાન વિભાગે પણ દિલ્હીમાં વરસાદને લઈ આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. કેટલીક ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.