Adani Total Gas Limited: અદાણી ટોટલ ગેસ લિ.(ATGL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ટોટલ એનર્જીસ બાયોમાસ લિ. (ATBL) એ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત તેના બરસાના બાયોગેસ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં કામગીરી શરૂ કરી હોવાનું આજે ​​જણાવ્યું હતું.


શ્રી માતાજી ગૌશાળાના પરિસરમાં આવેલા બરસાનાનો આ બાયોગેસ પ્રોજેક્ટ ત્રણ તબક્કાઓમાં વિભાજીત છે અને તે રોજની 600 ટન ફીડસ્ટોકની એકંદર ક્ષમતા હાંસલ કરશે, આ તબક્કો પૂર્ણપણે કાર્યરત થશે ત્યારે પ્રતિદિન 42 ટનથી વધુ કમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) અને દૈનિક 217 ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરશે. ત્રીજા તબક્કા સુધીની આ પ્લાન્ટની સંપૂર્ણ ડિઝાઇન અનુસારની ક્ષમતાએ પહોંચશે ત્યારે તે ભારતનો સૌથી મોટો કૃષિ કચરો આધારિત બાયો-CNG પ્લાન્ટ બનશે. બરસાના બાયોગેસ પ્લાન્ટ માટે આ ત્રણેય પ્રોજેક્ટના તબક્કાઓ માટેનો પ્રોજેક્ટ ખર્ચ રૂ.200 કરોડથી વધુ થશે.




કોમ્પ્રેસ્ડ બાયોગેસના ઉત્પાદનની આ સુવિધા અદાણી ટોટલ એનર્જીસ બાયો માસ લિ.(ATBL) એ સૌ પ્રથમવાર નિર્માણ કરી છે અને હરિત ભવિષ્ય તરફના તેના પ્રયાણમાં એક મહત્વના સીમાચિહ્નરૂપ છે. અદ્યતન એનારોબિક ડાયજેશન ટેકનીકનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ આ પ્લાન્ટ કાર્બનિક પદાર્થોને રીન્યુએબલ બાયોગેસમાં રૂપાંતરિત કરવા સાથે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતામાં ઘટાડીને રાષ્ટ્રની ઇંધણ સુરક્ષા અને ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે છે.




બરસાણા બાયોગેસ પ્રોજેકટના પ્રારંભ પ્રસંગે,અદાણી ટોટલ એનર્જીસ લિ.ના એક્ઝીકયુટીવ ડાયરેકટર અને સી.ઇ.ઓ.શ્રી સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે ટકાઉ ઉર્જાના ઉત્પાદનમાં સહયોગ આપવા તરફના અમારા પ્રયાસને ખુલ્લો મૂકતા અમે રોમાંચિત છીએ. તેમણે જણાવ્યું હતું કે બરસાના બાયોગેસ પ્લાન્ટ આપણી ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ અને વધુ ટકાઉ વિશ્વ બનાવવા માટે પુનઃપ્રાપ્ય સંસાધનોનો ભરપૂર લાભ લેવાની અમારા ચેરમેન શ્રી ગૌતમ અદાણીની પ્રતિબદ્ધતાને પ્રસ્તુત કરે છે. કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) નું ઉત્પાદન કરવા ઉપરાંત આ પ્લાન્ટ ઉચ્ચ-ગુણવત્તાવાળા કાર્બનિક ખાતરનું ઉત્પાદન કરે છે, જે સરકયુલર ઇકોનોમીના  સિદ્ધાંતો અને કૃષિના ટકાઉપણામાં ફાળો આપે છે. કોમ્પ્રેસ્ડ બાયો ગેસ ઉત્પાદનની સુવિધાનું નિર્માણ અને તેની શરૂઆત અમારા પ્રયોજકો અદાણી ગ્રૂપ અને ટોટલએનર્જીસના  ટકાઉપણાના વ્યાપક લક્ષ્યાંકો અને કોમ્પ્રેસ્ડ બાયો ગેસ જેવી નવીનીકરણીય ઊર્જામાં રોકાણ સાથે સંપૂર્ણપણે સંરેખિત થાય છે. અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીનું ધ્યેય લો-કાર્બન અર્થતંત્રમાં વૈશ્વિક સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું છે.” એમ તેમણે ઉમેર્યું હતું.