Uttarayan 2024: આજે ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આમ આદમીની સાથે રાજનેતાઓ પણ પતંગ ચગાવી પર્વનો આનંદ માણી રહ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ  નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખેલદિલીની ભાવના રાખવી જોઈએ. ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ.


અપક્ષ ધારાસભ્ય એવા ધવલ સિંહ ઝાલાએ ચગાવી પતંગ


અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા વહેલી સવાર થી જ ઉતરાયણ ની મસ્તીના  રંગમાં રંગાયેલા નજરે પડ્યા. અપક્ષ તરીકે જીતેલા ધવલ સિંહ પરોક્ષ રીતે બીજેપીનાં  ભગવા રંગથી પહેલેથીજ રંગાઈ ચૂક્યા છે. આજે વહેલી સવારથી જ ધવલ સિંહ પાડોશીઓ સાથે પેચ લગાવ્યા હતા અને પતંગ કાપવામાં મસ્ત હતા.


મકરસંક્રાંતિના તહેવારને લઈને સુરતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું


મકરસંક્રાંતિના તહેવારને લઈને સુરતમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં આવેલા 100થી વધુ બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ટુ વ્હીલ ચાલકોને આજે અને આવતીકાલે બે દિવસ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  તહેવાર સમયે કોઈ દુર્ઘટના ન બને  તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.


પીએમ મોદીએ પાઠવી ઉત્તરાયણની શુભકામના


પીએમ મોદીએ ઉત્તરાયણની શુભકામના પાઠવતાં સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આ ઉત્તરાયણનું પર્વ આપ સર્વેના જીવનમાં નવી તકો અને નવી સંભાવનાઓના દ્વારા ખોલે તેમજ આપના સપનાઓને વાસ્તવિકતમાં પરિવર્તિત કરવામાં મદદ કરે એજ અભ્યર્થના સાથે અનેક અનેક શુભકામનાઓ.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું, આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્‍છાઓ. પ્રકૃતિ સાથે અનુસંધાનના આ પર્વે ભગવાન સૂર્યનારાયણ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને અને સુખ, શાંતિ, સમૃદ્ધિની નવી ઊર્જાનો સંચાર કરે એ જ પ્રાર્થના.


 સી.આર.પાટીલે શું લખ્યું


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લખ્યું, મકર સંક્રાંતિનો ઉગતો સૂર્ય આપ સૌનાં જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ, નવો ઉમંગ લઇને આવે, આપ સૌ સફળતા, સુખાકારીની નવી ઉંચાઇઓને સ્પર્શો, આભ જેવી વિશાળતાને પામો એવી મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ !