ગુજરાતમાં રસીકરણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રસીકરણને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોનું રસીકરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 થી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી.
રાજ્યમાં 1 મેથી 18થી મોટી ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અને કોરોના સામેની લડાઈમાં રસીકરણ ખુબ જ મહત્વનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણને વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે સીએમ રૂપાણી દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 થી મોટી ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. અને રોજ 2.25 લાખ વેક્સિન લગાવાવનો નિર્ણય સીએમ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1.76 કરોડથી પણ વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો રાજ્યમાં આજના રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.
કોરોના વાયરસની રફતાર ધીમી પડી
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા છે.