અમદાવાદઃ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલાની જાણકારી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરી આપી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થકો દ્ધારા એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો. પોલીસ દ્ધારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ના આવતા સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ. મેવાણીના સમર્થનમાં મધરાત્રે કોગ્રેસના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓએ જીજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.
મેવાણીની ધરપકડને લઇને જગદીશ ઠાકોરે કહ્યું હતું કે જીજ્ઞેશે આર.એસ.એસ પર ટ્વિટ કર્યું હતું તેને લઇને ફરિયાદ કરવામાં આવી હતી. જે ધારાસભ્ય પૈસાથી ન માને તે ધારાસભ્યને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન છે. જીજ્ઞેશ કે કોંગ્રેસે આવી ફરિયાદથી ડરવાની નથી. અમારી લીગલ ટીમ લડત આપશે અને જીજ્ઞેશને છોડાવશે.
મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ ટ્વીટ મામલે ફરિયાદ કરાઈ છે. સીઆરપીસી 80 નો ભંગ કરી ધરપકડ કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની અમને જાણ કરાઇ નથી.