વલસાડ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લાના બધા જ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.  24 કલાકમાં કપરડામાં 8 ઈંચ, વાપીમાં 6 ઈંચ, ધરમપુરમાં 5.36 ઈંચ, પારડીમાં 5 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, ઉમરગામમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે. 


ખેરગામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ગામમાંથી પસાર થતી ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે.  નધાઈ ગામે આવેલો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થતા 10 જેટલા ગામો માટે પુલ બંધ કરવામાં આવ્યો છે.  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ વરસતા ઓરંગા નદી પર આવેલ ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે. 


કપરાડામાં 14 કલાક માં 10 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે.  મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે.  ડેમમાંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.  દમણગંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે.  લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. તંત્રના 


આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે.  સંપ્રદેશ દાદરા નગર હવેલીથી પસાર થતી દમણ ગંગા નદી પાણીના પૂર સાથે બે કાંઠે વહી રહી છે. આ સાથે સતત પડી રહેલા વરસાદને લઈને સંધ પ્રદેશ દાદરા નગર હવેલીના રસ્તાઓ પણ ધોવાયા છે. 


અમદાવાદમાં વરસાદ  


અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ટાગોર કંટ્રોલમાં દોઢ, ચાંદખેડામાં સવા, બોડકદેવમાં દોઢ, સાયન્સ સિટીમાં એક, ગોતામાં એક, સરખેજમાં એક, દુધેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ એવરેજ અમદાવાદમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદને પગલે પીઠાખળી અને વિરાટનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.