Valsad News: વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક અજાણ્યા રાહદારીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર છે કે આ રાહદારી સ્ત્રી છે કે પુરુષ તે પણ જાણવું મુશ્કેલ બન્યું છે ત્યારે ડુંગરા પોલીસે આ મામલે આ વાહનની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે, વાપી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહને સલવાવ પાસે નેશનલ હાઇવે પર રાહદારીને ટક્કર મારીને 60 મીટર ઢસડ્યો હતો. ટ્રકથી ઢસડાતા મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો, જેના કારણે મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો તે પણ ઓળખવું મુશ્કેલ બન્યું છે. હાલ ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દિલ્હીના કંઝાવલામાં હિટ એન્ડ રનની ઘટનાની યાદ અપાવી હતી. દિલ્હીમાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.


ગત વર્ષે આવી જ એક ઘટના સુરતના પલસાણામાં બની હતી.એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યુ હતું જેને કારચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક ચાલકનો મૃતદેહ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. આવામાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો ને પોલીસ લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ હતી.


સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસેથી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત પછી મૃતક યુવકના પત્ની રોડ પર પડી ગયા હતા. પરંતુ બાઈક ચાલક સાગર પાટિલ કથિત રીતે કાર સાથે લગભગ 12 કિમી સુધી ઢસડાયા હતા. સાગર અશ્વિનીને લઈને સુરત જઈ રહ્યા હતા.સાગર પાટિલના પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાગર પાટિલનો જીવ બચી શક્યો નહોતો. સાગર પાટિલનો મૃતદેહ પણ બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરુ કરી હતી. સુરતના એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસને કારનો નંબર મળી શક્યો જેના આધારે આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી શકી હતી.