Valsad : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદથી ભારે તબાહી સર્જાઈ છે. ઘણા લોકો પાણીમાં ફસાયા છે, જેનું રેસ્ક્યુ NDRFની ટીમ કરી રહી છે. તો આ ભારે વરસાદમાં અબોલ પશુઓની હાલત પણ ખરાબ છે. વલસાડમાં ગાયો તણાઈ જવાનો વિડીયો સામે આવ્યો છે. જુઓ આ વિડીયો -
વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક પશુઓ પાણીમાં ડૂબી ગયા છે અને જીવ બચાવવા વલખા મારી રહ્યાં છે. તો આ તણાઈ જતા પશુઓને બચાવવા ગૌરક્ષકોની ટીમ પણ ખડેપગે છે અને પશુઓનું રેસ્ક્યુ કરી રહી છે.
વલસાડમાં બે યુવકોનો ચમત્કારિક બચાવ
દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઈ ગયા છે. આ સંજોગોના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન વલસાડના કાંજનરાંચોડમાં કોઝવે પરથી પસાર થતા બાઇક પર આવેલા બે શખ્સો પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા હતા, પરંતુ એકબીજાના હાથ પકડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, બાઇક પાણીમાં ફસાઇ ગઇ હતી.
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે વાહનવ્યવહાર માટે અવરોધ કરવો પડ્યો હતો. દરમિયાન વલસાડ તાલુકાના વેલવાચ ગામના બે મિત્રો જીવ જોખમમાં મુકીને બાઇક પર ઓવરફ્લો કોઝવે પરથી પસાર થતાં તેમનું સંતુલન ગુમાવ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે બંનેએ એકબીજાનો હાથ પકડીને બહાર આવ્યા.