બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મત ગણતરીનો મહત્વપૂર્ણ દિવસ આવી ગયો છે. આવતીકાલે 23 નવેમ્બરે 23 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે, જેમાં વાવના નવા ધારાસભ્યનું નામ નક્કી થઈ જશે.
13 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 70.54% મતદાન થયું હતું. પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે SRP, BSF અને પોલીસની કડક નિગરાની હેઠળ EVM મશીન રાખવામાં આવ્યા છે.
ચૂંટણી દરમિયાન ત્રિપાંખીયો રંગ જામ્યો હતો, જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જંગ ઉપસ્થિત થયો હતો. આ ચૂંટણીમાં જાતીય સમીકરણ મહત્વપૂર્ણ બની રહ્યું છે.
તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, અને હવે આવતીકાલે પરિણામ જાહેર થશે, જે નક્કી કરશે કે કયો ઉમેદવાર વાવ વિધાનસભાની સીટ જીતશે.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
આ પણ વાંચોઃ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા