લઘુતમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં હવે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે રાજ્યના સાત શહેરોમાં 17 ડિગ્રી તો છ શહેરોમાં 18 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યુ છે. જેમાં નલિયામાં ગઈકાલે ગુરૂવારે સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ડીસામાં 14 ડિગ્રી તો વડોદરામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો


આ તરફ સૌરાષ્ટ્રના કેશોદમાં 16.3 ડિગ્રી, મહુવામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી તો ભૂજમાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રીએ પહોંચ્યુ હતું. વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદના લઘુતમ તાપમાનના ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં ગુરૂવારે 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું અને આગામી એક સપ્તાહ સુધી અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પાટનગર ગાંધીનગરમાં 17.8 ડિગ્રી, ભાવનગરમાં 17.9 ડિગ્રી તો અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 18 ડિગ્રીએ પહોંચ્યો છે.


હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એકાએક પારો ગગડતા ચારેય તરફ બરફ છવાયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઈનસ એક ડિગ્રી, જ્યારે ગુરૂશિખર પર માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફ છવાયો હતો.. પર્યટન સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી વાતાવરણ ઠંડુગાર થતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે. મીની કશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં બે મહિના સુધી સતત બરફ છવાયેલો રહે છે. સામાન્ય રીતે માઉન્ટ આબુમાં દર વર્ષે ડિસેમ્બરમાં બરફવર્ષા થતી હોય છે. પરંતુ આ સીઝનમાં નવેમ્બરમાં જ બરફવર્ષાથી શરૂઆત થઈ ગઈ છે. તાપમાન ગગડીને માઈનસ એક ડિગ્રી નોંધાયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઉંચી ચોટી ધરાવતું ગુરૂશિખરમાં માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયુ હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુની હોટલો આગળ પાર્ક કરેલા વાહનો, બાગ બગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ પર પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. વાતાવરણ ઠંડુગાર થતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે.                                                          


Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા