Banaskantha : કોઈપણ દીકરી કે દીકરીના લગ્ન એ તેમના માટે જીવનનો સૌથી મોટો દિવસ અને સૌથી યાદગાર ક્ષણ હોય છે. પણ આ દિવસે જો માતા-પિતામાંથી કોઈ એકની હાજરી ન હોય તો આ બાબતનો થોડો ખચકાટ રહે છે. પણ વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા છે. કોરોનાકાળમાં માતા ગુમાવી ચુકેલી સંગીતાના જીવનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માતા બનીને આવ્યા. ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી, સંગીતના લગ્ન કરાવ્યાં અને કન્યાદાન પણ કર્યું.
કોરોનાકાળમાં સંગીતાએ માતા ગુમાવી
કોરોનાકાળમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અનેક બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. કોરોના સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે પણ કદાચ હું જીવી શકું તેમ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ અને તે બાદ તે માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી અને જ્યારે હવે કોરોના કાળ લગભગ પૂરો થઈ ગયો છે ત્યારે સંગીતા ઠાકોરના આજે ગેનીબેન ઠાકોરે ઉચોસણ ગામે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેનું કન્યાદાન કર્યું હતું.
લગ્નમાં જગદીશ ઠાકોર સહીતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યાં
જોકે આ આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત લોકો દત્તક દીકરી સંગીતા ઠાકોરને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા અને ગેનીબેનના કાર્યને બિરદાવ્યું હતું.જોકે કેનાલોમાં પાણી ન આવવાના મુદ્દે જગદીશ ઠાકોરે ભાજપ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે ચૂંટણીઓ આવે એટલે ભાજપ તાયફા કરે. કાર્યક્રમમાં પુરા થાય એટલે પાણી બંધ કરી દેશે ઉત્સવો,તાયફા,કાવતરા કરીને ભાજપ ચૂંટણીમાં ઉતરે છે.