Vegetable Price: મધ્યમ વર્ગને આજે ડબલ ઝટકો લાગ્યો હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સાથે શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. લસણ, આદુ,લિંબુના ભાવ આસમાને પહોંચ્યા હતા. લસણનો પ્રતિ કિલોનો ભાવ 400ને પાર પહોંચ્યો હતો. જ્યારે આદુ પ્રતિ કિલોનો ભાવ 200, લિંબુનો ભાવ પ્રતિ કિલો 160 રૂપિયા પહોંચ્યો હતો. વેપારીઓએ દાવો કર્યો હતો કે ઓછા ઉત્પાદનને લીધે લસણનો ભાવ વધ્યો છે. ટામેટા, બટાકાના ભાવમાં પણ વધારો થયો છે.


લસણ, આદુ, અને લીંબુના ભાવમાં ફરી એક વખત વધારો થતા મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. લસણનો પ્રતિ કિલોનો ભાવ 400, આદુનો ભાવ કિલોએ 200, તો લિંબુનો ભાવ પ્રતિ કિલોએ 160 રૂપિયા પહોંચ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે.  જેના કારણે માંગમાં ઘટાડો થતા જથ્થાબંધ વેપારીઓ પણ લસણની ઓછી ખરીદી કરતા થયા છે.


વેપારીઓના મતે આ વખતે લસણનું ઉત્પાદન ઓછું થયુ છે પરિણામે ભાવ ઉંચકાયા છે. સાથે સાથે નવા પાકની પણ આવક આવી નથી. આ જોતા લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અત્યાર સુધી જે લસણના ભાવ 200 રૂપિયા સુધી કિલો હતા એ લસણના કિલોના ભાવ 400 રૂપિયા પહોંચ્યા છે. વધતા જતા ભાવ વધારાના કારણે લોકોએ લસણની ખરીદી પર કાપ મુક્યો છે. લસણ જ નહીં આદુના ભાવમાં પણ વધારો થયો છે. અત્યારે આદુ પ્રતિ કિલોએ 200 સુધી પહોંચ્યું છે. તો લિંબુના ભાવ પ્રતિ કિલોએ 160 રૂપિયા થયા છે.


એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો


ફેબ્રુઆરીના પ્રથમ દિવસે અને બજેટના આગમનના થોડા કલાકો પહેલા જ મોંઘવારીનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​1લી ફેબ્રુઆરીથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી એટલે કે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


જાણો તમારા શહેરમાં એલપીજીના નવા ભાવ શું છે-


આજથી રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.


કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 18 રૂપિયા વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે.


મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 15 રૂપિયા વધીને 1723.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.


ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 12.50 રૂપિયા વધીને 1937 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.


ગત 1 જાન્યુઆરી 2024ના રોજ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. જે બાદ દિલ્હીથી મુંબઈ સુધીનો પહેલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તો થયો છે. ગયા મહિને કરવામાં આવેલા ઘટાડા બાદ 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1755.50 રૂપિયા અને મુંબઈમાં 1708 રૂપિયા થઈ ગઈ છે