Gujarat  Rain Foreast:રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટસ, પોરબંદર, ભાવનગર, જામનગરમાં ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં પણ આજે આખો દિવસ ભારે વરસાદનું અનુમાન છે.  અમદાવાદના કેટલાક ઠેકાણે અતિથી અતિભારે વરસાદની અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.  


આગામી 24 કલાક રાજકોટને પણ વરસાદ ઘમરોળશે. અહીં પણ  અતિ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગે વરસાદને લઇને ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે તો 11 જિલ્લામા ઓરેન્જ એલર્ટ આપ્યું છે, 8 જિલ્લમાં યલો અલર્ટ જાહેર કર્યું છે.


આ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ


હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા  દમણ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ  જાહેર કર્યું છે.


રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ


વરસાદને લઇને રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, ડાંગ, તાપી,સુરત, ભરૂચ, આણંદ,ખેડા,અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તોમોરબી, બોટાદ, સુરેન્દ્રનગર,વડોદરા, નર્મદા, દાહોદ,પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે.  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પંચમહાલ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


જૂનાગઢ જિલ્લામાં વરસાદની શું છે સ્થિતિ


ભારે વરસાદથી જૂનાગઢના મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગડુ-ખોરાસા ગીર વચ્ચે પસાર થતી મેઘલ નદીમાં ભારે પુર આવ્યું છે. માળીયા હાટીનામાં 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 


જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.


માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.