નવી દિલ્હીઃ ‘વાયુ’ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી શક્યા ઓછી છે. સ્કાઈમેટને જણાવ્યું કે, લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું 'વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા નહીં ટકરાય.


વાવાઝોડું હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.

ભારતીય હવામાન ખાતાની વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આજે અમદાવાદમાં કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠાએ વાયુ વાવાઝોડુ નહીં ટકરાય. આ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.