અમદાવાદઃ વાયુ વાવઝોડુ આજે બપોર સુધીમાં વેરવાળના દરિયાકાંઠે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે. જેની અસર વહેલી સવારથી વેરાવળના દરિયામાં જોવા મળી રહી છે. વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાયુ વાવાઝોડું વધુ વિકરાળ બની ગયું છે અને આ કુદરતી આફત 155થી 165 કિમીની ઝડપે ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે. આ સાથે જ ગુરુવારે સવારે નહીં પરંતુ બપોરે વાવાઝોડું ત્રાટકશે આ વિકરાળ બની ગયેલું વાવાઝોડું વેરાવળ અને દ્વારકા કાંઠે ટકરાશે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલમાં હવામાન વિભાગ આ વાવાઝોડા પર નજરો ટાંકીને બેઠુ છે અને તેની પળેપળની જાણ તંત્રને આપી મળી રહી છે.

હાલમાં આ કુદરતી આફતને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે થઇ ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ દરિયાકાંઠાનાં મોટા ભાગના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.