અમદાવાદઃ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાના શૉને લઇને ચર્ચામાં છે, કેમ કે આગામી ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતના જુદાજુદા શહેરોમાં તેના શૉનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે.
મુનવ્વર ફારુકીના શૉને લઇને વિશ્વ હિન્દુ પરિષદના જ્વલંત મહેતાએ ખુલ્લેઆમ ધમકી આપતા કહી દીધુ છે કે, શૉ થવા દેવામાં આવશે નહીં. તેમને કહ્યું કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા મુનવ્વર ફારુકીને ગુજરાતમાં ક્યાંય પણ શો થવા દેવામાં આવશે નહીં. VHP દ્વારા ચેતાવણી આપવામાં આવી છે કે, મુનવ્વર ફારુકીના તમામ શૉને તાત્કાલિક ધોરણે રદ્દ કરી દેવામાં આવે નહીંતર, શૉના આયોજકોને નુકસાની વેઠવા તૈયાર રહેવુ પડશે, અમે શૉ નહીં થવા દઇએ.
ખાસ વાત છે કે, મુનવ્વર ફારુકીના શો સુરતમાં 1 ઓક્ટોબરે, 2 ઓક્ટોબરે અમદાવાદ, 3 ઓક્ટોબરે વડોદરામાં યોજાશે. જેની તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી.
ઉલ્લેખનિય છે કે આ વર્ષે મધ્યપ્રદેશમાં એક શો દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બાદ મુનવ્વર ફારુકીની ધરપકડ કરવામાં આવી હતી. મુનવ્વર પર હિન્દુ દેવતાઓનું અપમાન કરવાનો આરોપ હતો. જો કે પછી આ મામલામાં મુનવ્વર ફારુકીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. અગાઉ કેટલીયવાર આ પ્રકારની ટિપ્પણીઓને લઇને કૉમેડિયન મુનવ્વર ફારુકી વિવાદોમાં આવી ચૂક્યો છે.