• ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ માટે ફરીથી જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે.
  • ઉમેદવારોએ ૦૫ જૂનથી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી માટે શિક્ષણ વિભાગની વેબસાઇટ પરથી ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે, અન્ય કોઈ રીતે મોકલવામાં આવશે નહીં.
  • અગાઉની ભરતી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માર્કશીટમાં "રિઝલ્ટ" શબ્દને કારણે મેરિટમાં ફેરફાર થવાની સંભાવના અને ઉમેદવારોમાં અસંતોષની શક્યતાને કારણે રદ કરવામાં આવી હતી.
  • ૧૭ મે, ૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલા કટ-ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ આ નવી પ્રક્રિયામાં પણ યથાવત રહેશે.
  • આ પુનઃ પસંદગી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માર્કશીટ સંબંધિત વિવાદનું નિરાકરણ લાવશે અને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે.

Vidya Sahayak recruitment 2025: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વર્ષ ૨૦૨૪ ની વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં પુનઃ જિલ્લા પસંદગી માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અગાઉ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માર્કશીટના મુદ્દે ઉભા થયેલા વિવાદને કારણે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી, જેના પગલે હવે ફરીથી જિલ્લા પસંદગીનો રાઉન્ડ યોજાશે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી વર્ષ ૨૦૨૪ ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ રદ કરાયેલી પસંદગી પ્રક્રિયા બાદ, હવે ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પસંદગીની નવી તારીખો અને પ્રક્રિયા

ઉમેદવારોને ૦૫ જૂનથી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યાં છે. આ માટે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવવામાં આવશે. ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જ ઓનલાઇન કોલલેટર મેળવવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલલેટર મોકલવામાં આવશે નહીં. ૧૭ મે, ૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલા કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

ભરતી પ્રક્રિયા રદ થવાનું કારણ

અગાઉ, ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વર્ષ ૨૦૨૪ ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હતો. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં ઉભો થયેલો વિવાદ હતો.

આ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ લખેલો હોવાને કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલા ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢવામાં મુશ્કેલી પડતી હતી. આના કારણે ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થવાની શક્યતા હતી અને ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે અગાઉની પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો હતો.