રાજકોટઃ રાજકોટમાં રવિવારે મળેલા  હિન્દુ ધર્મ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક મંચ પર જોવા મળ્યા હતા. બંને પાસપાસે જ બેઠા હતા પણ બહુ વાતચીત કરી નહોતી.


જો કે વિજય રૂપાણીએ પોતાનું પ્રવચન શરૂ કર્યું ત્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીને સૌને ચોંકાવી દીધા હતા. પાટીલનો જન્મદિવસ 16 માર્ચના દિવસે છે પણ વિજય રૂપાણીએ આગોતરી શુભેચ્છા પાઠવી દીધી હતી.


રૂપાણીએ કહ્યું કે, હું આપણા સૌના વતી સી.આર. પાટિલને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં ભાજપ આપણી વિચારધારાને વધુ ને વધુ સુદૃઢ બનાવીને નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરના સપનાને સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર બનાવે એવી  શુભેચ્છા પાઠવું છું. રૂપાણીએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં હિન્દુ હિત કોના હૈયે છે તે સૌને ખબર છે ત્યારે હિન્દુ સમાજ એક બને એ જરૂરી છે.


 આ પ્રસંગે સી.આર. પાટિલે કહ્યું કે,  રામમંદિર, કાશી વિશ્વનાથ, સોમનાથ સહિતનાં મંદિરોનાં જીણોધ્ધારનાં કામમાં ભાજપનો કાર્યકર સાથે રહેશે. તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં અનેક મંદિરોના જીર્ણોધ્ધારના કામ કર્યા છે. ભાજપના મેનિફેસ્ટિ માં રામ મંદિર નો ઉલ્લેખ કરાયો હતો ત્યારે કોઈને વિશ્વાસ નહતો કે ખરેખ રામમંદિર બનશે પરંતુ અત્યારે રામ મંદિર ના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.


પાટિલે કહ્યું કે, રામમંદિરનું નિર્માણ એ કોઈ જુમલો ન હતો , કોઈ ખોટી વાત નહોતી , લોકો પાસે મત લેવા માટેની વાત નહોતી.


તેમણે કહ્યું કે, યુપી સહિત 4 રાજ્યમાં વિજય બાદ સાડા 8 કિલોમીટર લાંબો રોડ શો કરાયો હતો. મોદી સાહેબે પણ કહ્યું કે, રોડ શો તો અનેક થયા પણ હાઇવે પર થયેલા રોડ શો જેવો બીજો કોઈ નથી. પાટિલે સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભાજપ શાસનમાં કાશી વિશ્વનાથ મંદિરનો પણ ખૂબ સારો વિકાસ કરાયો છે.