Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે. આ સિવાય તેમણે જે ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો તેની પણ માહિતી આપી છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યા અનુસાર, ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.
પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.
રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.
7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ મળ્યા હતા. જેમાં EVM અંગેના 3 એલર્ટ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ હતા. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.
મતદાનના દિવસે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તારીખ 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.