Visavadar Assembly By Election: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલા બે વિધાનસભા બેઠકો પર આખરે પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે, આજે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે, આ બન્ને બેઠકો પર આગામી 19મી જૂને મતદાન યોજાશે અને 23મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે આ કાર્યક્રમ જાહેર કરતાં જ ફરી એકવાર રાજકારણમાં ગરમાવી આવી ગયો છે. મેન્ડેટ મળે તે પહેલા જ દાવેદારોના નિવેદનો સામે આવી રહ્યાં છે. ભાજપ નેતા હર્ષદ રિબડિયાએ આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, જો પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશ. હું લડવા માટે તૈયાર છું, વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. 

વિસાવદર બેઠક કેમ ખાલી પડી છે ?આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા પરંતુ પક્ષ પલટો કરતાં આ બેઠક ખાલી પડી ગઈ હતી. બાદમાં ભાજપના હર્ષદ રીબડીયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી હતી. જોકે, હવે રીબડીયાએ પિટિશન પરત ખેંચી લેતાં ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો થયો હતો. જેથી હવે અહીં પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.