Banaskantha: બનાસકાંઠા ખાતે આવેલા જગવિખ્યાત અંબાજી મંદિરમાં જ્યારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં યોજવામાં આવશે. પ્રસાદ બંધ કરવા મામલે ધરણાં યોજી વિરોધ નોંધવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદનાં મંત્રી અશોક રાવલનાં નેતૃત્વમાં આ ધરણાં યોજવામાં આવશે. રવિવારે તમામ રાજ્યના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચાશે. યાત્રા સંઘો, સંતો, ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહવાન કરાયું છે. છેલ્લા એક સપ્તાહથી પ્રસાદ બંધ થવાના મામલે ભક્તો વિવિધ સંગઠનો સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.


 



ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિત અન્ય દેવસ્થાનોમાં ભ્રષ્ટાચાર


અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર એ લાખો કરોડો ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે. ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિતના અન્ય દેવસ્થાનોમાં ભષ્ટાચારો થયા છે. અંબાજી મંદિરમાં 6 દાયકાથી ભક્તોજનો આસ્થાથી પ્રસાદ લઈ રહ્યા છે. આ પ્રસાદ અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ પૈસાથી વહેચે છે. છતા પણ 6-8 મહિના પહેલા મોહનથાળના પ્રસાદ સાથે ચિક્કીનો પ્રસાદ બિનપરંપરાગત વહેચવાનુ શરુ કર્યું. મોહનથાળનો પ્રસાદ વર્ષે 20 કરોડ રુપિયોનો વેચાય છે. જયારે ચિક્કીનો પ્રસાદ એક દોઢ કરોડ રુપિયાનો વેચાય છે.


મોહનથાળનો પ્રસાદ ચાલું કરવામાં નહી આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજવામાં આવશે


ચિક્કીનો પ્રસાદ વધુ વેચાય એ માટે ઘણા ગતકડા કરવામાં આવ્યા. મોહનથાળના પ્રસાદની કાઉન્ટરની બાજુમાં જ ચિકીના પ્રસાદનુ કાઉન્ટર રાખવામાં આવ્યુ છે. ચિક્કીના કાઉન્ટરમાં એવી વ્યવસ્થા આપવામાં આવી છે કે પૈસા નાખો એટલે સિધો જ પ્રસાદ મળી જાય. જ્યારે મોહનથાળના પ્રસાદ કાઉન્ટરમાં પૈસા ભરવાના અને બીજી જગ્યાએ પ્રસાદ લેવા જવાનું થાય. આટલા બધા ગતાકડા કરવા છતા પણ ભાવિકજનોની આસ્થા મોહનથાળના પ્રસાદમાં યથાવત રહી. મોહનથાળના પ્રસાદના કારણે ચિક્કીના પ્રસાદમાં કમાણી નહી થાય એટલે કલેક્ટરે મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરોડો ભાવિકજનોની આસ્થા પર વ્રજઘાત સમાન છે. જો મોહનથાળનો પ્રસાદ ચાલું કરવામાં નહી આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.