અમદાવાદ: કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે. આમ પહેલી નજરે રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે. જો કે, આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે.
શું હતો મામલો
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આપવામાં આવ્યો હતો આદેશ
મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે. અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.