અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ રહેશે. હવામાન વિભાગે અંદાજે 15 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં બીજા અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણમાં જોર ઓછું રહેશે.
પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.
21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. નરોડા, નિકોલ, બાપુનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એસપી રિંગ રોડ જોખમી બન્યો હતો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પટકાયા હતા. વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે. ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરાયા હતા.