અમદાવાદ: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા અમરેલી , ભાવનગર , પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાજયમાં આગામી સાત દિવસને લઇને વરસાદની આગાહી કરી છે. સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે કેટલાક જિલ્લા અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial