નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદના હાલ બેહાલ છે. ગુજરાતમાં પણ આગમી દિવસોમાં સ્થિતિ બગડી શકે એમ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. આગામી ત્રણ દિવસ માટે રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર 6 સપ્ટેમ્બરે ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉતરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિસા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલગાંણામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

7 સપ્ટેમ્બર અને શનિવારના રોજ પણ ગુજરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 8 સપ્ટેમ્બર અને રવિવારના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઓડિસા, અંડામાન-નિકોબાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, આસામ અને મેઘાયલમાં ભારે વરસાદ પડવાની શક્યતા.

બીજી બાજુ મુંબઈમાં ભારે વરસાદને પગલે ગુજરાતથી જતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા-વાપી કેન્સલ કરવામાં આવી છે. નાલાસોપારા સ્ટેશને પાણી ભરાઈ જતાં આ ટ્રેનો આગળ વધી શકે તેમ નથી. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) લોકોને કામ સીવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે.

ભારે વરસાદના પગલે કેટલીક ફ્લાઇટો પણ મોડી પડી છે. અમદાવાદ તરફ આવતી મોટાભાગની ફ્લાઇટો સવારે એક કલાક જેટલી મોડી પડી હોવાના અહેવાલો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે. સતત વરસાદના પગલે પાલિકાએ મીઠી નદીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કર્યુ છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ મુંબઈમાં ઍવરેજ 15 ઇંચ વરસાદ પડ્યો છે.