Gujarat Weather News: ગુજરાતમાં અત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ગઇકાલે સાંજે અચાનક રાજ્યમાં વાવાઝોડું-આંધી વંટોળ આવ્યુ અને કેટલુંય નુકસાન પહોંચ્યુ છે. સાથે સાથે મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો, જેના કારણે લોકો અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મુશ્કેલીઓ હજુ પણ આગળ વધવાની છે, કેમકે આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જે પછી પણ ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઇ શકે. 26મી મે એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે. આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે. ખાસ કરીમે 27મીએ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર ,ગીર સોમનાથ, ભરૂચ, સુરત ,તાપીમાં પણ ઓરેન્જ અલર્ટ..વલસાડ ,દમણ અને દાદરા નગર વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યેલો અલર્ટ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હાલમાં મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નાગિરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.