Heavy Rain: ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ગઇકાલથી શરૂ થયેલા વરસાદે તબાહી મચાવી છે. ગઇકાલે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઇ હતી, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો હતો. હવે આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને રાજ્યના 20થી વધુ જિલ્લામાં મેઘરાજા ફરીથી તાબડતોડ બેટિંગ કરશે. વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું ભારે એલર્ટ અપાયુ છે. 
 
રાજ્યમાં આજે પણ ગઇકાલની જેમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ 20થી વધુ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાજા અપડેટ પ્રમાણે, આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે, તો વળી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જેમાં છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 


હવામાન વિભાગ દ્વારા આજે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, અને તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ


ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. મંગળવારે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું (heavy  rain) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 17-18ના રોજ, પૂર્વ રાજસ્થાનમાં 18ના રોજ, ઓડિશામાં 19ના રોજ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 18-19 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની (heavy  rain) ચેતાવણી  જાહેર  કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં અનેક ફૂટ પાણી ઘુસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી.