કચ્છના અબડાસામાં આભ ફાટ્યું હતું. શનિવારે સવારે 6 વાગેથી બપોરે 4 વાગ્યા સુધીમાં અબડાસામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. 8 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પાણી પાણી થયા હતાં. શહેરમાં નદીઓની માફક પાણી વહેતાં થતાં વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી. જ્યારે મુંદ્રામાં 7.5 ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભૂજ અને લખપતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
શનિવારે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું. જ્યારે એક જ દિવસમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
કચ્છમાં અબડાસામાં અનરાધાર વધુ 8 ઇંચ વરસાદ ખાબકતાં અનેક માર્ગો પર પાણી વહી નીકળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ખંભાળીયામાં 4, જોડીયા -દ્વારકામાં 2 અને કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત અને કામરેજમાં 5-5 ઈંચ જ્યારે પલસાણા અને મહુવામાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ધરમપુરમાં 3, કપરાડા 2.5, વલસાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરગઢડામાં સાડા 3, તાલાલામાં 3.5, વેરાવળમાં 3, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં 3 ઇંચ જ્યારે બગસરા અને લિલિયામાં 2-2 ઇંચ અને ભાવનગર જિલ્લામાં ઘોઘામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.