વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમા વરસાદ શરૂ થયો છે ત્યારે શુક્રવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાતને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.


અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ત્યાં જ પૂંજા પાદર સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. ભારે વરસાદથી શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતાં. વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ શરૂ થયો હતો.

ઉભરાણ અણિયોર સાઠંબા બાયડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સાબરકાંઠાના તલોદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. દોઢ કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાડા ત્રણ ઈંચ વરસાદથી સાબરકાંઠાના તલોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તલોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

ચરોતરના આણંદમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ગણેશ ચોકડી, બોરસદ ચોકડી પાસે પાણી ભરાયા છે. માત્ર એક કલાકમાં આણંદ શહેરના માર્ગો વરસાદી પાણીથી છલકાઈ ગયા હતાં. વરસાદના કારણે વૃક્ષ ધરાશાય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતો.