ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરારેશ 40 ઈંચ સાથે 121% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને અનેક જિલ્લાઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ગુજરાતમાં હાલ કોઈ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસમાં વરસાદ ઓછો થતો જાય તેની પૂરી સંભાવના છે.


રાજ્યમાં વરસાદને લઈ રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે પાકિસ્તાન તરફ ફંટાઈ જતાં હાલ રાજ્ય પરથી ભારે વરસાદનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે. જોકે, વિધિવત ચોમાસાને હજી એક મહિનાનો સમય બાકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપનો વેબિનાર યોજાયો હતો. જેમાં હવામાન વિભાગે એવી શક્યતા દર્શાવી છે કે, હાલમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદ ઓછો થઈ શકે છે.

આગામી 4 સપ્ટેમ્બરના સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ રાજસ્થાન તરફ હોવાને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આ સિવાય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહિવત્ છે.