અમરેલીના ચાંદગઢ ગામે સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં 17 યુગલોના લગ્ન થવાના હતા. એ માટે બધુ જ આયોજન થઈ ગયું હતું. પરંતુ આયોજકોએ પોલીસ મંજૂરી વગર જ લગ્નનું આયોજન કર્યું હતું. આજ કારણે પોલીસે લગ્ન સ્થળે પહોંચી સમૂહ લગ્ન અટકાવ્યા હતા. સમૂહ લગ્નના આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લગ્નની તમામ તૈયારીઓ થઈ જતા આયોજકો પણ મૂંઝાયા હતા. 17 યુગલોના પરિવારજનો પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. વ્હાલા દીકરા-દીકરીના લગ્ન માટે પરિવારજનો તૈયાર થઈને આવ્યા હતા. પરણવા આવેલા યુગલો પણ વિલા મોઢે પરત ફર્યા હતા. સામાન લઈને જાનૈયાઓ પરત ફર્યા હતા. તો સાથે જ સમૂહ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.