ગોધરાના પોલનબજાર વાલી ફળીયાના 37 વર્ષીય રીક્ષા ચાલક ઇમરાન યાકુબના ઘરે NIA એ સર્ચ કરીને ડિજિટલ ડિવાઇસ અને મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે.
રિક્ષા ચાલક ઇમરાન તેના માતાપિતા, ભાઇ , પત્ની અને ચાર સંતાનો સાથે રહેતો હતો. કેટલાક સંબંધી પાકિસ્તાનમાં રહેતા હોવાથી ઇમરાને પાકિસ્તાનના 5 થી 6 વખત ફેરા માર્યા છે. તે પાકિસ્તાનથી રેડીમેડ કાપડ મંગાવીને વેચાણ કરતો હતો. સ્થાનિકોને તે ફક્ત રીક્ષા ચાલક જ હોવાની ખબર હતી. તેના ધંધાથી તેનો પરિવાર પણ અજાણ હોવાનો દાવો કરી રહ્યો છે.
ભારતની નેવી શિપ સબમરીન અને ડિફેન્સની મહત્વની જગ્યાઓની જાસૂસી કરવા પાકિસ્તાન આઇએસઆઇએ ષડયંત્ર ગોઠવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલન બજારના વાલી ફળિયામાં રહેતા ઇમરાન ગિતેલીની પણ આમાં સંડોવણી બહાર આવી હતી. રિક્ષા ડ્રાઇવિંગ અને કપડાંના વેપારની આડમાં ગિતેલી આ ષડયંત્રમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કપડાંના વેપારના બહાને તે પાકિસ્તાની આકાઓના ઇશારે ભારતીય નેવીના કર્મચારીઓના બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવતો હતો. સૂત્રો અનુસાર ગિતેલી પાસે હવાલાના લાખો રૂપિયા આવ્યા હતાં.
જે પૈકી નેવીના બે ખલાસીના ખાતામાં રૂપિયા 5 હજાર અનેરૂપિયા 4 હજાર મળી કુલ રૂપિયા 9 હજાર જમા કરાવ્યા હતાં. એનઆઇએની તપાસમાં આ વાત બહાર આવતાં તે રડારમાં આવ્યો હતો. એનઆઇએની ટીમ તેનું સતત મોનિટરિંગ કરી રહી હતી. સોમવારે રાત્રે ટીમ સ્થાનિક ગોધરા એસઓજીની મદદથી તેની ધરપકડ કરી હૈદરાબાદ લઇ ગઇ છે. ગિતેલી ગોધરામાં બેઠાં કેવી રીતે જાસૂસીનું નેટવર્ક ચલાવતો હતો તેમજ તેની સાથે ગોધરા, ભરૂચ કે અન્ય કોઇ જિલ્લાના શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેની પૂછતાછ ચાલી રહી છે.