અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદ આવી રહ્યા છે. મોદી આઝાદીના 75મા વર્ષની ઉજવણીનો પ્રારંભ દાંડીકૂચને લીલી ઝંડી આપીને કરાવશે. નરેન્દ્ર મોદીની મુલાકાત માટે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર  યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.


મોદીની યાત્રાને અનુલક્ષીને વાડજ સ્મશાનની આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કામો પૂર્ણ કરાયાં છે. આ ઉપરાંત દાંડીપુલ નજીકના રોડની બંને તરફની ફૂટપાથ રાતોરાત બનાવ દેવાઈ છે. દાંડીપુલથી સ્મશાન પાસેના કાચા રોડ પર બ્લોક ફિટ કરી પાકો રોડ બનાવી દેવાયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી નજરે ના પડે તે માટે મોટા પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યાં છે.


પીએમ મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત પહેલાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તેના ભાગરૂપે મહાત્મા ગાંધીએ દાંડીકૂચ શરૂ કરી હતી તે દાંડીમાર્ગને સજાવવામાં આવ્યો છે. દાંડીપુલ ઉપર પણ પોલીસ વ્યવસ્થા વધારવામાં આવી છે અને પોલીસ દ્વારા સ્થાનિકો માટે દાંડીપુલ બંધ કરવામાં આવ્યો છે. 


નોંઘનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચનાં રોજ એક દિવસનાં ગુજરાતના પ્રવાસે છે. સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રદાન નરેન્દ્ર મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને પગલે કેટલાક રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરનાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્સ, નહેરૂબ્રિજ, પાલડી તરફ જતા રોડ બંધ રહેશેં.