ગાંધીનગર: ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરિવાર સહિત આત્મહત્યા કરતા હોવાની ઘટનામાં પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે વ્યાજખોરો પર અંકુશ લાવવા માટે રાજય પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનોને વ્યાજખોરીની પ્રવૃત્તિ ડામવા આવા તત્ત્વો સામે પાસા, મનીલોન્ડરિંગ, ગુંડા ધારા સહિતની કલમો હેઠળના ગુના નોંધી આકરી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

ઊંચા વ્યાજે પૈસા ધીરીને લોકોની મિલ્કત પચાવી પાડવાના ઘણા બધાં કિસ્સા પોલીસના ધ્યાનમાં આવ્યા હોવાથી રજિસ્ટાર મારફતે દેણદારને મિલકત પરત પણ અપાવવામાં આવશે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને ટાંચમાં પણ લેવામાં આવશે તેવું ડીજીપીએ આ મામલે પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયું છે.



નોંધનીય છે કે, અમદાવાદના એક વેપારી વ્યાજખોરોના ત્રાસના કારણે વડોદરાની હોટલમાં જઈને આપઘાત  કરી લીધો હતો. જેની પાછળ 10 વ્યાજખોરોએ તે યુવક તેમજ તેના પરિવારમા આતંક મચાવ્યો હતો. આ ઉપરાંત પાલડીના એક પરિવારે પણ વ્યાજખોરોના આતંકથી કારણે સામુહિક આપઘાત કરી લીધો હતો. વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમણે ખોટી રીતે લોકોની મિલકતો પચાવી પાડી હોય તો તે પણ ટાંચમાં લેવાની સુચના આપી છે.