અમદાવાદ: હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. જોકે તે પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે આજે અને કાલે મેઘરાજા ખેલૈયાનાં રંગમાં ભંગ પાડી શકે છે.

ગુજરાતમાં આગામી બે દિવસ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ તથા તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રવિવાર સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.

ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આજ માટે કરેલી આગાહી પ્રમાણે, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, અમરેલી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. કચ્છ જિલ્લામાં તેમજ દીવ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ડ્રાય વેધર રહેશે.

વેધર સિસ્ટમ ગુજરાતથી ધીમે-ધીમે દૂર જઈ રહી છે આ સાથે જ નબળી પણ પડી રહી છે. જોકે આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે જ હળવો વરસાદ પડી શકે છે.