ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાજ્યમાં કોરોના સંક્રમણ સામેની લડાઈને મુદ્દે મહત્વની બેઠક કરી હતી. મુખ્યમંત્રીના આદેશના પગલે તમામ જિલ્લા અને શહેરોમાં પ્રબારી મંત્રીઓએ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. આ બેઠકોના પગલે રાજ્યમાં આંશિક લોકડાઉન લાદવામાં આવશે એવી અટકળો ચાલી રહી છે.
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સુરત જિલ્લાના પ્રભારી છે. કનુબાઈ દેસાઈએ સુરતમાં અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી કહ્યું હતું કે, રાજ્યમાં આંશિક લોકડાઉન લાદવામા નહીં આવે. તેમણે કહ્યું કે, આંશિક લોક ડાઉન નો પણ હાલ કોઈ વિચાર નથી. તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં પૂરતી વ્યવસ્થા કરાઈ છે તેથી રાજ્યમાં લોકડાઉનની સ્થિતિનો સામનો કરવાનો નહીં આવે.
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આજે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ અગાઉ સરકારના નાણામંત્રી અને સુરતના પ્રભારી કનુ દેસાઈએ મોટું નિવેદન આપ્યું હતું. કનુ દેસાઇએ કહ્યું હતું કે, રાજ્યમાં આંશિક લોકડાઉનનો સરકારનો કોઈ પણ પ્રકારનો વિચાર નથી. સતર્ક રહેશો તો કોઈપણ પ્રકારના નિયંત્રણની જરૂર નહીં પડે
સરકાર જાહેર કરશે ગાઇડલાઇન
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે. આજે સાંજે સાત વાગ્યા સુધીમાં આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડશે. કેમ કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણુ વધુ વધી રહ્યું છે ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે. કેમ કે અત્યારે રાત્રી કર્ફ્યુ આ મહાનગરોમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે ત્યારે કર્ફ્યુની સમય મર્યાદા એકથી બે કલાક સુધી વધારવાની શક્યતા છે. એટલે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 11 વાગ્યાના સ્થાને રાત્રીના 9 કે 10 વાગ્યાથી લાગુ થઈ શકે છે કેમ કે લગ્નપ્રસંગ અને મરણની વિધીમાં પહેલેથી જ આમંત્રિત મહેમાનોની સંખ્યા પર ઘણા નિયંત્રણો મૂકાયા છે ત્યારે આ સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા નહીંવત છે.