ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને  કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપના ઘણા નેતા પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. આ યાદીમાં ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતાનો ઉમેરો થયો છે. ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને કોરોના થઈ ગયો છે.


ડો. ઋત્વિજ પટેલે પોતે સોશિયલ મીડિયા મારફતે આ માહિતી આપી છે. ડો. ઋત્વિજ પટેલે લખ્યું છે કે, મને અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.  આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.


પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.


અમદાવાદ શહેરમાં 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યું છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે હાજરી આપી હતી. આ સંત સંમેલનના કારણે અમદાવાદ શહેર ભાજપ  સંગઠનના મોટાભાગના નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.


આ સંત સંમેલનમાં  હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતા  કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પિરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી અને પાટિલ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓના સપર્કમાં પણ આવ્યા હતા એ જોતાં તેમને પણ કોરોનાનો ખતરો છે.


આ કાર્યક્રમનું આયોજન દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત કરાયું હતું. ઉત્તરપ્રદેશના વારાણસીમાં દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા.