રાજ્યમાં હાલ સાઇબરક્રાઇમ ધમકી આપવાનું એક સાધન બની ગયું છે. ત્યારે હવે એક એવી મોટી ઘટના સામે આવી છે જેમા PMO નામે બોગસ લેટર બનાવી ગૃહ વિભાગને ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ ધમકી આપનાર ડોકટરની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરે વડાપ્રધાન ઓફિસનો અશોક સ્તંભનો નકલી લેટર બનાવી પાલડી ડોકટર હાઉસની ઓફીસનો કબ્જો મેળવવા કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે.


આ કેસની વિગત મુજબ સાયબર ક્રાઈમને અરજન્ટ એટેન્શન એન્ટીસિપેટેડ ફ્રોમ ઓફિસ ઓફ પ્રાઈમ મિનીસ્ટર ઓફ ઈન્ડીયા વિષય વાળી અરજી મળી હતી. જેમાં નૃપેશ મિશ્રા અને રાજીવ કુશવાહ કેપ્શન નામના બે ઈમેલ આઈ.ડી. મળ્યા હતા. બન્ને ઈમેલ પરથી ગુજરાત સરકારના ઉચ્ચ સચિવ કક્ષાના તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઈમેલ કરવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી ફાઈલો એટેચમેન્ટમાં મોકલવામાં આવી હતી.જેમાં અરજદાર ડો.વિજય પરીખ રહેવાસી ગણેશ સોસાયટી, અમરેલીએ સામે વાળા ડો.નિશીત શાહ વિરૃધ્ધ તેમની પરિમલ ગાર્ડન સામે ડોક્ટર હાઉસની બે ઓફિસનો કબજો પરત આપવા તથા તેમણે કરેલી અરજી અંગે ત્વરીત અને સચોટ કાર્યવાહી કરવા કહ્યું હતું. તે સિવાય પી.એમ.ઓ ઓફિસ દ્વારા સતત મોનિટર કરવામાં આવતી હોવા છતા કોઈ કાર્યવાહી થતી ન હોવા બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની કડક શબ્દોમાં ઝાટકણી કરતું લખાણ લખેલું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી ડૉક્ટર વિજય પરીખે પરિમલ ગાર્ડન પાસે ડૉક્ટર હાઉસમાં આવેલી ઓફિસ ડૉ. નિશિત શાહ પાસે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ આપી તેનો ગેરકાયદેસર કબ્જો ડૉ. નિશીતે પોતાની પાસે રાખ્યો હતો. આ ઓફિસનો કબ્જો લેવા માટે ડો.વિજયએ સમગ્ર યોજના બનાવી હતી. જે મુજબ ડૉ. વિજયે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્રો આરોપીએ બે જીમેઇલ આઈડી પરથી જૂદી જૂદી જગ્યાએ મેઈલ કર્યા હતા. જેમાં આઈએએસ સંગીતા સિંઘ, પોલીસ વડા અને પોલીસ કમિશનરને મેઈલમાં સાથે રાખી મેઈલ કર્યા હતા.

ડો.વિજય પરીખએ PMO હેડિંગ અને અશોક સ્તભ વાળો 3 લેટર ઇમેઇલ કર્યો હતો અને ચોથો લેટર બનાવી ઇ મેઈલ કરે તે પહેલાં જ સાયબર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઇ ગયો.

સાયબર સેલ મળેલ નકલી લેટર ખરાઈ કરતા PMO ઓફિસથી થતા પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઈ-મેઈલ આઈડી જેની પાછળ nic.in લખેલું ડોમેઈન વપરાય છે. જો કે બોગસ પત્રમાં જીમેઇલ થી મોકલવામાં આવ્યું હતું. આથી જે જીમેઇલ આઈડીથી મેઈલ આવેલા તેની વિગતો પોલીસે એકત્ર કરી હતી. જેમાં વિગત મળી કે, આ આઈડી 2019માં બનેલું છે. જેમાં રજીસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર અને આઈપી એડ્રેસ વિજય દ્વારકાપ્રસાદ પરીખનું હોવાનું ખુલ્યું હતું. સાયબર સેલે આરોપી ડો. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.