ગાંધીનગરઃછેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. રવિવારે જામનગરના ધ્રોલમાં સાંજે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબકતાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ભાવનગરના શિહોર તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી અને જુનાગઢના વથલીમાં બે ઈંચ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને ફરી એકવાર ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક બાજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ હજી અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશરના કારણે વરસાદ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જોકે હજુ વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ થયું છે. માછીમારોને દરિયા ન ખેડવા સૂચનો અપાયા છે.
ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતો હતો તો બીજી તરફ દિવસ દરમિયાન બફારો જોવા ળી રહ્યો છે. પરંતુ રવિવારે ઠંડી અને ગરમીની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણે વધતા ઉકળાટ વધ્યો હતો. અસહ્ય ઉકળાટના કારણે નાગરિકો પરસેવે રેબઝેબ થયા હતા.