પાટણ ખાતે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલન અંગે કરેલા નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આ મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે.


પાટીદાર અગ્રણી અને આંદોલન નેતા મનોજ પનારા અને કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલે કરસનભાઈના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કરસનભાઈને ૧૦ વર્ષ પછી આ વાત યાદ આવી છે. તેમણે ઉમેર્યું કે પાટીદાર આંદોલનના કારણે પાટીદાર સમાજને ઘણો ફાયદો થયો છે અને કરસનભાઈએ સમાજ માટે શું કર્યું તે કહેવું જોઈએ. ગીતાબેન પટેલે એમ પણ જણાવ્યું કે આનંદીબેન પટેલને ભાજપના આંતરિક વિવાદના કારણે હટાવવામાં આવ્યા હતા.


વરુણ પટેલે પણ કરસનભાઈના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કરસનભાઈએ દુઃખદ નિવેદન આપ્યું છે અને તેમને ૧૦ વર્ષે આ નિવેદન આપવાની હિંમત આવી છે. વરુણ પટેલે આક્ષેપ કર્યો કે કરસનભાઈને સમાજની, સમાજના આગેવાનોની અને યુવાનોની ચિંતા હોત તો તેઓ પાટીદાર આંદોલન સમયે ખુલીને બોલ્યા હોત. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સહિત ૧૫ થી ૨૦ લોકો રાજકારણમાં જોડાયા છે, પરંતુ આ આંદોલન માત્ર ૧૫ થી ૨૦ લોકોનું ન હતું, પરંતુ લાખો લોકોના આંદોલનના કારણે સમાજને ફાયદો થયો છે. વરુણ પટેલે કરસનભાઈને સવાલ કર્યો કે જ્યારે પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે તેઓ ક્યાં હતા અને શું તેમણે શહીદ પરિવારોની કોઈ ચિંતા કરી છે? તેમણે કરસનભાઈ પર લેઉવા પાટીદાર મહિલા મુખ્યમંત્રીને હટાવવાની વાત કરીને પાટીદાર સમાજને લેઉવા અને કડવા વચ્ચે વહેંચવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે તેમને આવું નિવેદન આપવાની કોઈ જરૂર નહોતી.


નોંધનીય છે કે, પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.


કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો....


કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા