અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ચારે બાજુ હવે રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ ઉઠી છે. વિપક્ષ તો ઠીક પણ હવે તો ભાજપના પક્ષમાંથી જ લોકડાઉન કરવાની માગ ઉઠી છે. અમરેલી ભાજપના આગેવાન અને ડોક્ટર કાનાબારે કોરોનાના વાયરસને લઈને ટ્વીટ કર્યું છે.


તેમણે ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતને મહારાષ્ટ્ર બનતું અટકાવવા માટે 14 દિવસનું લોકડાઉન કરવામાં આવે. આર્થિક વિટમ્બણાઓનું જોખમ વ્હોરીને પણ રાજ્યમાં લોકડાઉન કરવું જોઈએ. શ્વાસની અવર-જવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે. તેમણે લોકડાઉન શા માટે જરૂરી છે તેને લઈને કારણો વીડિયોમાં રજૂ કર્યા છે.


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે.  દરમિયાન રૂપાણી સરકારે (Rupani Government) આજે હાઈકોર્ટમાં કહ્યું  લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન (Lockdown) વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો.


ચીફ જસ્ટિસે કહ્યું, રાજ્ય સરકારની અમુક નીતિઓથી અમે ખુશ નથી. આ નીતિઓ સુધારવાની જરૂર છે...આ વાતની આપને ખબર છે અને આ પહેલા પણ અમે એ બાબતે આ સંકેત આપી ચૂક્યા છીએ. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વકીલને ટકોર કરતાં કહ્યું જ્યારે કોઈ રાજ્ય યોગ્ય રીત ના નિર્ણયને લઈ શકતું હોય તો મહામારી ના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપી શકે?


કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.


કોર્ટે કહ્યું અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ (Corona Test)  કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?


ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.