ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક મ્યુનિસિપાલિટીની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ સિટી મુંદ્રાને રૂપાણી સરકારે મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપ્યો છે.


મુંદ્રા તથા બારોઈની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનું વિલિનીકરણ કરીને મુંદ્રાને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે મુંદ્રા, બારોઈ તથા આસપાસના ગામોનાં લોકોને વધારે સારા રોડ, ગટર, લાઈટ વગેરે સવલતો મળશે. આ મ્યુનિસિપાલિટી વિસ્તારની કુલ વસતી 60 હજારની આસપાસ થશે.

કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે 35 હજાર જેટલી જનસંખ્યા છે જ્યારે બારોઈ જૂથ ગ્રામ પંચાયતની 25 હજાર જેટલી વસ્તી છે. આ સાથે કુલ મળીને 60 હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઈટ સહિતની સુવિધાઓ આ સંયુક્ત નગરપાલિકા બનતાં ત્વરાએ મળતી થશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે કચ્છમાં સાતમી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે. હાલ ભૂજ, માંડવી, ગાંધીધામ, અંજાર, ભચાઉ, અને રાપર એમ છ નગરો અસ્તિત્વમાં છે. હવે નવી નગરપાલિકા અસ્તિત્વમાં આવતાં માળખું બદલાશે.

મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના સાશન દરમિયાન વર્ષ 2012માં પહેલીવાર બારોઈ ગ્રામપંચાયતની બોડી અને ત્યા મહિલા સરપંચ રંજનબેન મુકેશભાઈ ગોરની સહમતી સાથે ગુજરાતના વિકાસ કમિશનરને પહેલી દરખાસ્ત મોકલાઈ હતી. ત્યારબાદ તત્કાલીન ધારાસભ્ય તરીકે તારાચંદ છેડાએ નગરપાલિકા રૂપે નગરજનોનું સ્વપ્ન સાકાર કરવા તમામ પ્રયત્નો કર્યા હતાં અને અંતે હાલના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોને લીધે લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.