અમદાવાદ: આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે. પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.
સી.આર. પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, ભાજપાનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ માટે જે જવાબદારી મળે તે નિભાવવા હાંકલ કરી હતી.