હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદની જોવા મળશે.
બે સિસ્ટમને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને મહિસાગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. આગાહી વચ્ચે રવિવારે જ ધમાકેદાર વરસાદ થઈ ગયું છે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતાં મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRFની 3-3 ટીમ તૈનાત કરી રાખવામાં આવી છે. દાહોદ ખાતે પણ NDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં NDRFની 1-1 ટીમ જ્યારે ઉ. ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
31 જૂલાઈ બાદ એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં તૈયાર થશે. જેના બે કે ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે.