ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની કોઈ સંભાવના નથી. પેટ્રોલ-ડીઝલની કિંમત પર વેટ ઘટાડવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે હાલમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા અંગે કોઈ વિચારણા નથી. દેશના અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ઓછો વેટ છે.


નીતિન પટેલે કહ્યું કે, પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર નહીં જે કંપની નક્કી કરે છે એટલે જ્યારે તેના ભાવ વધે છે ત્યારે વધુ રકમના વેચાણને કારણે રાજ્ય સરકારને વેટની વધુ આવક થાય છે અને જ્યારે ભાવ ઘટે છે ત્યારે તેના ઓછી રકમની આવક પર વેટની ઓછી આવક થાય છે એટલે આવી સ્થિતિમાં વેટમાં ઘટાડો કરવા પર કોઈ વિચારણા નથી.

રાજ્યમાં પેટ્રોલ પર 20.2 ટકા ટેક્સ પ્લસ ચાર ટકા સેસ વસૂલવામાં આવે છે. જ્યારે ડિઝલની વાત કરવામાં આવે તો 20.1 ટકા ટેક્સ પ્લસ ચાર ટકા સેસ વસૂલવામાં આવે છે.

ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ માસ 26 કરોડ લિટર પેટ્રોલ તો 55 કરોડ લિટર ડિઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ફેબ્રુઆરી મહિનામાં તોતિંગ વધારો થયો હતો. પેટ્રોલ ડીઝલના ભાવ 9થી વધુ વખત વધ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડી રહી છે.