હિમાચલ પ્રદેશમાં બુધવારે બર્ફવર્ષા બાદ 8 જિલ્લાઓમાં 4 ફુટ સુધી બરફ જામી ગયો હતો. તેના કારણે 588 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. રાજ્યમાં 2436 વીજલાઇન પણ પ્રભાવિત થઇ હતી. બીજી તરફ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બુધવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થઇ શકે છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પંજાબના અમુક વિસ્તારમાં સાથે કરા પડવાની આશંકા છે.
દિલ્હી સિવાય નોએડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં બુધવારે ઝરમર વરસાદ પડ્યો હતો. સફદરજંગ હવામાન કેન્દ્ર પ્રમાણે સવારે 5.30 વાગ્યા સુધી 6 મિલીમીટર, પાલમમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. સવારે 11 વાગ્યે તાપમાન 13 ડિગ્રી હતું. મહત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું હતું. વરસાદના કારણે તાપમાન 4 ડિગ્રી ગગડી શકે છે. રાજધાની ગાઢ ધુમ્મસની ચપેટમાં આવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં આગામી 24 કલાક આવું જ વાતાવરણ રહી શકે છે.