Mahisagar News: મહીસાગરના સંતરામપુરમાં એસટી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ઝાલોદથી મોરબી તરફ જતી બસમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ હતી. સંતરામપુર એસ.ટી સ્ટેન્ડમાં બસની અંદર પોલીસે તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં મહિલા જણાતા પોલીસે તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 234 નંગ ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા સાથે મહિલાને ઝડપી હતી. આરોપી કબુબેન બસમાં વિદેશી દારૂને લઈ જઈ રહી હતી, તેની પાસેથી પોલીસે 25,740 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મહિલા અગાઉ પણ આ રીતે દારૂની ખેપ મારી ચુકી છે કે નહીં, દારૂનો જથ્થો ક્યાંથી લાવી અને કોને પહોંચાડવાની હતી તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


વડોદરા શહેરના મદનઝાંપા પર રોડ પાસેથી પોલીસે  દારૂનો જથ્થો ભરી પસાર થતા કાર ચાલકને ઝડપી પાડી રૂ.25 હજાર ઉપરાંતની કિંમતના દારૂના જથ્થો સહિત રૂ. 2.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો. નવાપુરા પોલીસ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો વીર ભગતસિંહ ચોકથી પથ્થરગેટ થઈ મદનઝાપા રોડથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે મદનજાપા રોડ સાઈમંદિર કોમ્પલેક્ષની પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને રોકી કાર ચાલક નીતિન મધુસુદનભાઈ ભોય (રહે- જમના રેસીડેન્સી ,આજવા વાઘોડિયા રીંગરોડ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા ડેકીમાંથી  ભારતીય બનાવટની વિદેશી દારૂની 88 બોટલ તથા 43 ક્વોટર મળી આવ્યા હતા. પોલીસે રૂ. 25,540ની કિંમત ધરાવતો દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ. 2,75,540 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.


ઉત્તર ગુજરાતમાં આદિવાસી વસતી ધરાવતા દાંતા તાલુકાની સ્કૂલોમાં અવારનવાર શિક્ષકોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતાં રહ્યાં છે. દાંતા તાલુકામાં અગાઉ પણ ચાલુ શાળાએ એક શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યા હતા. અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં એક શિક્ષક દારૂના નશામાં પ્રવેશ્યો હતો. ચાલુ શાળામાં શિક્ષક દારૂ પીને આવતા લોકો રોષે ભરાયા હતાં. વાલીઓએ શાળામાંથી શિક્ષકને બહાર કાઢી મૂક્યો હતો. અજય પટેલ નામનો શિક્ષક અવારનવાર દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ ઊઠતી હતી ત્યારે ફરી એકવાર ચાલુ શાળામાં શિક્ષક દારૂના નશામાં આવી જતાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.